Poetry

ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,

ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.

સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,

ભોંય બધી ભગરી ને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનું ફરતાં જંગી ઝાડ,

ચોપી તેમાં શેલડી વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,

મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,

વાઘ શિયાળ વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,

રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,

બાવળનાં નથ બૂતડી તુરત કરી તૈયાર.

સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,

સાધન સૌ ભેળું થવા તવા તાવડા ઠામ.

પટલાણી પેંખી રહી પટેલ કેરી વાટ,

રોંઢા વેળા ગ‍ઇ વહી પડતું ટાઢું ભાત.

કહે મા, ‘મીઠી! લે હવે ભાત આપું,

કીકો લાવ મારી કને, જા તું બાપુ;

હજી ઘેર આતા નથી તુજ આવ્યા;

ભૂખ્યા એ હશે વાઢ કામે થાક્યા’.

‘ભલે લાવ બા, જાઉં હું ભાત દેવા,

દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા?

મીઠી કેળશી શેલડી તો ખવાશે,

દીઠી છે ટૂંકી વાટ જલદી જવાશે’.

વહી જાય છે વેગમાં ફાવી ભરતી ફાળ,

ગણે ન કાંટાકાંકરા દોડે જ્યમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,

સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,

એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,

થપાટ પાછળથી પડી બાળા થ‍ઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,

મીઠી બાળા મોતનાં પંજામાં સપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ!

વૃક્ષ ઊભાં વીલા બધાં! સૂની બની સૌ વાટ!

સાંઝ વહી સૂનકારમાં ઓઢીને અ‍ન્ધાર :

રાત પડે છે રાનમાં આંસુડે ચોધાર.

પહોંચી ઘર પાંચો કરે ‘મીઠી!’ ‘મીઠી!’ સાદ;

‘મારે તો મોડું થયું રોંઢો ન રહ્યો યાદ.’

પટલાણી આવી કહે, ‘મેલી છે મેં ભાત,

મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?’

‘મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,

કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ.’

બની ગયાં એ બાવરાં બન્ને મા ને બાપ,

ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સન્તાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,

ઝાંખાં સર્વે ઝાડવાં દારુણ જાગે દુ:ખ.

‘મીઠી! મીઠી!’ પાડતાં બૂમ ઘણી માબાપ,

જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ;

તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

ખાલી આ કોણે કરી – હશે સીમામાં શ્વાન;

મીઠી કાં મેલી ગઈ? – બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય;

મીઠી કેરી ઓઢણી – પોકે પોકે રોય.

હા મીઠી, તું ક્યાં ગઈ? આ શું? – ઝમે રુધિર !

ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર.

નીરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ;

‘મીઠી મીઠી’ નામથી રડતાં આખી વાટ.

 વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત,

 તોપણ દેખા દે કદી મીઠી માથે ભાત.

~ વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર અવસત્થી

Paraphrase by Shri Tushar Shukla (In Gujarati)

કેટલીકવાર કવીનું નામ સાવ અજાણ લાગે. ને એમની રચના જાણીતી! વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર અવસત્થી એવું જ એક નામ છે. ગુજરાતી કાવ્યસાહિત્યનો ખજાનો ખોલ્યો હોય ત્યારે અત્યંત જાણીતા સર્જકોની વચ્ચે આ અજાણ્યું નામ તમને ય અચરજ પમાડશે.

વળી આ કવિની એક બીજી વિશેષતા એ પણ છે કે એમનું આ એક કાવ્ય એમને આ સ્થાન અપાવે છે. આપણે એમના સંગ્રહ ‘મેઘમૂર્છના’માંથી આ એક કાવ્યને જાણીએ છીએ. ને એ ય મૂળ અંગ્રેજી કાવ્ય ‘Lucy Gray’ નો ભાવાનુવાદ છે. પણ, આ ભાવાનુવાદ એટલો તો મૌલિક છે કે એનાં મૂળને એ ક્યાંય વિસારે પાડી દે છે. રચનાની પ્રેરણાનું બિંદુ ગમે ત્યાં હોય, રચના સ્વયં કેવી બની છે એનું મહત્વ છે. અહીં કવિએ મૂળના સંદર્ભમાંથી કાવ્યનાયિકા અને એની સાથે બનેલી પીડાદાયી ઘટનાને કેવળ વિષયવસ્તુ તરીકે સ્વીકારીને અસલ ગુજરાતી વાતાવરણ રચતી કવિતા રચી છે. લ્યુસી અહીં મીઠી નામ ધરે છે. શેરડીના વાઢનું રખોપુ કરતા ખેડૂત પિતાને મદદે ભાતું લ‍ઇને મીઠી વગડામાં નીકળી છે. ભાતું એટલે ટીફીન. ને અહીં એ પોતે વાઘનો શિકાર થ‍ઇ જાય છે. કાવ્યનાં અંતમાં અગોચર વિશ્વનો અણસાર આપતી પંક્તિઓ ભાવકને જૂદા જ ભાવવિશ્વમાં લ‍ઇ જાય છે. વાઘનો શીકાર બની ગયેલી એ કિશોરી મીઠી હજી ય કોઇક વાર વગડામાં દેખાય છે!

‘વાઢ ગયો વેચાઇ ને વીતી ગ‍ઇ છે રાત,

તો પણ દેખા દે કદી, મીઠી માથે ભાત!