Poetry

હરિને ભજતાં / harine bhajta

Poem by Gemal

હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.

 

વહાલે ઉગાર્યો પ્રહ્‍લાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને….

 

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને….

 

વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે;

પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે. હરિને….

 

વહાલે આગે સંતોના કામ, પૂરણ કરિયાં રે;

ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુખ હરિયાં રે. હરિને….

 

~  ગેમલ

Interpretation by Shri Tushar Shukla (in gujarati)

મધ્યકાલીન કવિતા યાત્રામાં આપણે વિહંગાવલોક્નનો સાથ લ‍ઇ કેટલીક કવિજનોની કાવ્યપંક્તિઓને યાદ કરી. આવી તો કેટલી પંક્તિઓ આપના મનમાં ય સચવાઇ હશે. આ કવિઓ નામના આગ્રહી નહોતા. ને છાપકામ પણ હજુ આવ્યું નહોતું. છતાં આ રચનાઓ પ્રજા હ્યદયમાં સચવાઇ છે. અને આપણી આજને સમૃધ્ધ બનાવે છે.

“હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે.” કેવી હૈયાધારણ બંધાવે છે આ પંક્તિ! પણ આ ક્યારે શક્ય બને, એ શરત એમણે બીજી પંક્તિમાં મૂકી છે : “જેની સૂરતા શામળિયા સાથ” – આ “સૂરતા” શબ્દ અદ્‍ભૂત છે. ભક્તિમાર્ગ હોય કે જ્ઞાનમાર્ગ, આ સૂરતા સધાવાનો મહિમા સૌએ સ્વીકાર્યો છે. પરમતત્વ સાથે રચાતું અનન્ય અનુસંધાન વ્યક્તિની સુરક્ષા કરે એવું “વદે વેદવાણી રે.”