Poetry

સાગર અને શશી / Sagar ane shashi

Poem by Kant

 

આજ, મહારાજ! જલ પર ઉદય જોઇને.

ચંદ્રનો, હ્યદયમાં હર્ષ જામે,

સ્નેહઘન, કુસુમવન, વિમલ પરિમલ ગહન,

નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;

પિતા! કાલના સર્વ સંતાપ શામે!

નવલ રસ ધવલ તવ નેત્ર સામે,

પિતા! કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,

યામિની વ્યોમસર માંહી સરતી;

કામિની કોકિલા કેલિ કૂજન કરે,

સાગરે ભાસતી ભવ્ય ભરતી;

પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી,

પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

 

~ કવિ કા‍ન્ત

 

 

Interpretation by Shri Tushar Shukla (in Gujarati)

 

કવિ મણિશંકર રત્નજી ભટ્ટ એમ કહીએ તો કદાચ પરિચય ન ય થાય, પણ “કવિ કા‍ન્ત” કહું કે તરત જ એમની આ કવિતા યાદ આવી જાય : સાગર અને શશી. શાળાના પાઠ્યપુસ્તકમાં એનો સમાવેશ થતો હતો એટલે ભણવમાં પણ આવી હોય ને કવિતામાં રસ હોય કે ન હોય તો ય એની પંક્તિ યાદ કરી ગ‍ઇ હોય : “કામિની કોકિલા કેલિ કૂજન કરે” – એ સમયે આમાં આવતો “ક” ધ્યાન ખેંચતો અને વારંવાર બોલવું ય ગમતું. કવિ કા‍ન્તની આ કવિતા ખૂબ જાણીતી છે. ભાવનગર પાસેના દરિયાકાંઠાના સ્થળે એમણે ચંદ્રદર્શન નીહાળ્યું એની છબી એમનાં આ કાવ્યમાં ઝીલાઇ છે. નજર સામે લહેરાતો સાગર છે, ને આકાશમાં પૂર્ણ ચંદ્ર ખીલ્યો છે. પૂર્ણિમાની અસર ઝીલતા સાગર જળમાં ભરતી સર્જાઇ રહી છે. મહેરામણ (સાગર) માઝા તો ન મૂકે પણ હેલે તો જરૂર ચડે. અને આ ભરતી ઓટના પ્રાકૃતિક ગણિતને બાજુ પર રાખીએ તો ય એનું દર્શન કવિના હૈયે પણ ભાવની ભરતી જગાવે છે. ને આપણી ભાષાને મળે છે મનોહર કા‍ન્ત પદાવલિમાં રચાયેલી આ કવિતા. પ્રકૃતિની આ રમ્યતા સાથે ભવ્યતાનો ય સુમેળ છે. આ કવિતામાં, આવું રમ્ય-ભવ્ય દર્શન કરાવનાર પરમતત્વને કવિએ “પિતા” તરીકે સંબોધ્યા છે. આ સંબોધન પાછળ સંશોધકોને કવિ કા‍ન્તના ખ્રિસ્તી ધર્મ પ્રત્યેના ખેંચાણનો સંદર્ભ પણ મળે છે. પણ આપણે એમાં નથી પડવું. પરમાત્મા આમ પણ સૃષ્ટિના સર્જક તો છે જ. ને એ અર્થમાં “પિતા” ય ખરા જ ને! આપણે તો આ રમણિય પદાવલિમાં વહેતી આપણી માતૃભાષા ગુજરાતીના અલૌકિક સૌંદર્યને જ માણીએ. આ પ્રાસાનુપ્રાસ અને લય જાણે સાગરની લહેરોને કર્ણ ગોચર ઉપરાંત દૃષ્ટિગોચર પણ બનાવે છે.

 

કવિ કા‍ન્તના સુપ્રસિદ્ધ ખંડકાવ્યો એના વિષયવસ્તુ અને છંદ વૈવિધ્યને કારણે પણ સુખ્યાત છે.