Poetry

શાંતિ કરો! / Shanti Karo

હે જીવનનાથ! હે….જીવનનાથ!

શાંતિ કરો, અશાંતિ હરો….

 

વિશ્વને ખૂણે ખૂણેથી આર્તનાદ જાગતા,

અન્નવસ્ત્રહીન કોટી કોટી પ્રાણ ત્યાગતા:

દૈન્યદાસ્ય દુઃખથી દલિત અસંખ્ય માનવી,

શોષણે  સદાય લીન અંધ શક્તિ દાનવી, શાંતિ કરો.

 

આ શું? અણુપરમાણું તોડ્યાં! ત્રાહિ! ત્રાહિ!

હા….ય  એ જગવિધ્વંસે જોડ્યાં! પાહિ પાહિ!

સંસ્કૃતિ  તણાં શું  તેજની છવાય  સંધ્યા?

થાય આ વસુંધરા અમંગલા શું વંધ્યા? શાંતિ કરો.

 

દેશ દેશમાં છવાય આ શી ક્રૂર કાલિમા!

સ્વાર્થક્રોધમત્ત રક્તઘોર વહ્નિલાલિમા! શાંતિ કરો.

 

~ પિનાકીન ત્રિવેદી