Poetry

મુખડાની માયા લાગી રે / Mukhda ni maya lagi re

મુખડાની માયા લાગી રે, મોહન! તારા મુખડાની માયા લાગી રે.

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;

મન મારું રહ્યું ન્યારું રે….                            મોહન.

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;

તેને તુચ્છ કરી ફરીએ રે….                          મોહન.

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું;

તેને તે ઘરે શીદ જ‍ઇએ રે?                          મોહન.

પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;

રંડાવનો ભય ટળ્યો રે….                            મોહન.

મીરાંબાઇ બલિહારી, આશા મને એક તારી,

હવે હું તો બડભાગી રે….                            મોહન.

Interpretation by Shri Tushar Shukla (In Gujarati)

ગુજરાતી ભક્તિ કવિતામાં સન્માનનીય નામ છે ભક્ત કવિયત્રી મીરાંબાઇનું. રાજસ્થાનના મેવાડ પ્રદેશની રાજરાણી મીરાંનો કૃષ્ણપ્રેમ જાણીતો છે. પરિણામે પતિ અને પ્રિયતમ વચ્ચેના સંઘર્ષની અનેક કથાઓ એમની સાથે વણાયેલી છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મીરાંના પદ ગુજરાતી ભાષામાં ય મળે છે. “બાઇ મીરાં કે પ્રભુ ગિરધર નાગર” નું નામચરણ “બાઇ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર” રૂપે ય મળે છે. કંઠોપકંઠ ગવાઇને સચવાતી રચનાઓના કર્તા બાબતે સંશય તો રહે, પરંતુ મેવાડથી દ્વારીકાજી આવીને કૃષ્ણઘેલા થઇ રહેલાં મીરાંબાઇએ ગુજરાતીમાં પણ લખ્યું હોય એ સંભવ તો છે જ. આજે પ્રેમલક્ષણા ભકિત પરંપરાની ગુજરાતી કવિતામાંથી મીરાંનું આ પદ લઇએ.

મોહનના મુખડાની માયા જેને લાગી એનું ધ્યાન પછી બીજે ક્યાંય ક્યાંથી લાગે? એ મુખડાની મીઠાશ સામે જગ ખારું જ લાગે ને? સંસારનાં સુખને મીરાં ઝાંઝવા જેવું ગણાવે છે. મરૂભૂમિથી પરિચિત મીરાં રણના ઝાંઝવાની ભ્રામકતા – ઉપમા તરીકેલ લાવે એ સહજ છે. પણ પુરૂષ પ્રધાન સમાજ અને એમાં ય રાજઘરાણી સ્ત્રીની સામેના પડકાર કેટલાં હશે? તો એ માટેની હિંમત એ ક્યાંથી લાવતા હશે? સ્ત્રીને માટે સૌભાગ્ય સુખ એ સૌથી મોટું. મીરાંબાઇ સંસારી પતિને પરણવા સાથે જોડાયેલ વૈધવ્યની પીડાનો ઉલ્લેખ કરીને એની સરખામણીમાં પરમાત્મા પ્રિયજન સાથેનો લગ્નનો મહિમા કહેતાં સ્ત્રી સહજ “અખંડ સૌભાગ્ય”નો ઉલ્લેખ કરે છે. આ “અખંડ હેવાતણ” ના ઉલ્લેખ એક સ્ત્રીના મનમાં જ જાગે! કવિયત્રી આવાં સ્ત્રી સહજ ઉલ્લેખ અન્ય પદોમાં ય કરતા રહે છે. “મ્હને ચાકર રાખો જી” કહી દાસ્યભાવ અનુભવતાં મીરાં જ સ્નેહભાવે “પરણું તો પ્રીતમ પ્યારો” પણ કહે છે. “શામળો ઘરેણું મારુ સાચું રે” ગાતાં મીરાંનાં આવાં સંવેદના સભર પદો, સ્ત્રી સશકિતકરણનાં ઉમદા ઉદાહરણ છે.

 

પોતાની સંવેદના પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પોતાની ભીતર ઉગતા અવાજને ઓળખીને એની નિર્ભીક અભિવ્યક્તિ ૧૬મી સદીમાં કરતી આ સ્ત્રીને જાગતી જ્યોત ગણીને એની વંદના કરીએ. મીરાંના જીવન સંદર્ભે જાણીતા પ્રસંગો અને ચમત્કારોને ગાળીને જોઇએ તો પણ કવિતાની તાકાત પર મીરાંનું સ્થાન અજર અમર છે. મેવાડનાં રાજસિંહાસનને બદલે એ પ્રજાના હ્યદય સિંહાસન પર બેઠેલાં મીરાંબાઇનાં પદથી આપણું સાહિત્ય સમૃદ્ધ છે.