Poem by Narsinhrao Divetiya
મંગલ મંદિર ખોલો,
દયામય!
મંગલ મંદિર ખોલો.
જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય!
મંગલ મંદિર ખોલો.
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુસહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાલ્ક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય!
મંગલ મંદિર ખોલો.
~ નરસિંહરાવ દિવેટિયા
Interpretation by Shri Tushar Shukla (In Gujarati)
વીર કવિ નર્મદથી આરંભાયેલી નવી ગુજરાતી કવિતાની કેડીએ આવતું એક વંદનીય ધામ એટલે કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. આ સુરક્ષિત કવિએ જીવનની લીલી-સૂકી જોઇ છે. એમાંથી જ આ તારણ તારવ્યું છે : “છે માનવી જીવનની ઘટમાળ એવી, દુ:ખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી” – આ ઉકિત કવિના ભાવજગતને વ્યક્ત કરે છે.
કવિતાની વાતથી સહેજ કેડી ચાતરીને એક વિગત તમેન કહેવી ગમશે. આજે સંગીતમાં સ્વરબદ્ધ થઇને ગવાતાં ગીત માટે આપણે સુગમ સંગીત શબ્દનો ઓળખ માટે વિયોગ કરીએ છીએ. પરંતુ, નરસિંહરાવે એને માટે “સંગીત કાવ્ય” નો ઉપયોગ કર્યો છે. એમણે પોતાનાં કાવ્યોની, પોતાના પુત્ર કૃષ્ણરાવ સાથે આવી “લેક્ચર ડેમોસ્ટ્રેશન” પદ્ધતિની રજૂઆત તા. ૧૪ એપ્રીલ ૧૮૯૮ ના રોજ કરેલી. સ્વરબદ્ધ થઇને ગવાતાં ગીતને ભાવક મન લાંબો સમય યાદ રાખે છે. અને કવિતાની અસર ઘેરી પડે છે એમ એ માનતા. સ્વરની મદદથી કવિતાનો શબ્દ અર્થના આકાશમાં દૂર દૂર ઉડે છે. સ્વર એ અર્થને ઉઘાડવામાં, કવિના ભાવજગતને ભાવકના મન-હ્યદયમાં સર્જવામાં ઉપયોગી સિદ્ધ થાય છે એવી એમની માન્યતા હતી.
નરસિંહરાવ ભાઇએ પશ્ચિમી કાવ્યસાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. પશ્ચિમી કાવ્ય પ્રકાર “સોનેટ”ને પણ એમણે અજમાવ્યું હતું. નવા પ્રાર્થના ગીતો “પ્રાર્થના સમાજ” માટે લખ્યાં. કવિ નર્મદનું ગીત “નવ કરશો કોઇ શોક” પછી મૃત્યુ સંદર્ભે એક ગીત એમની પાસેથી મળે છે. એને “કરુણ પ્રશસ્તિ કાવ્ય પ્રકાર” કહે છે. પુત્રના અવસાનથી વ્યથિત પિતા પરમપિતાને વિનંતી કરે છે. આ પ્રાર્થનાગીતથી ભાવકો પરિચિત હોય જ. (એ ઉપરાંત એક રચના પણ અહીં યાદ કરી લઇએ. : “લીડ કાઇન્ડલી લાઇટ” – કવિ : જોન હેનરી ન્યુમેન : નો સુંદર ભાવાનુવાદ : પ્રેમળજ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ” – ગાયિકા મથુરી ખરેના કંઠે ગવાયેલ આ રચના પણ ઘણાંને યાદ હશે.)