Poetry

જૂનું પિયેર ઘર / junoo piyer ghar

Poem by Balvantray K. Thakore

 

બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં,

દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.

માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,

દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી.

સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂં કંઠ જુના,

આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂના;

ભાંડૂ ન્હાનાં; શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ.

જ્યાંત્યાં આવી વય બદલિ સંતાય જાણે પરીઓ.

તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાપિ લે ચક્ષુ ઘેરી,

ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તિ અનેરી;

ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે

કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!

 

બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઇ સારી,

ત્યારે જાણી અનહદ ગતી, નાથ મ્હારા, ત્‍હમારી.

~ બળવંતરાય ક. ઠાકોર

Interpretation by Shri Tushar Shukla (In Gujarati)

કવિ બળવંતરાય ક. ઠાકોરને કાવ્યજગત “બ.ક.ઠા.” નામથી જાણે છે. આ કવિ-વિવેચક અનોખા છે. ઘણીવાર વિવેચકોને કવિતાના સર્જનની સૂઝ ન હોવાનું કહીને હાંસિયામાં મૂકી દેવાય છે. પણ બ.ક.ઠા. આપણા સંનિષ્ઠ, અભ્યાસ, નિષ્પક્ષ અને સ્પષ્ટવક્તા વિવેચક તો છે જ, પણ એવા જ સંવેદન સમૃદ્ધ કવિ પણ છે. એમની કવિતા વિશે વાત કરતા પહેલાં એમની કાવ્યોભાવના, કવિતા પાસેથી એમની અપેક્ષાને પણ સાવ સાદા શબ્દોમાં સમજીએ. નરસિંહરાવ દીવેટીયાએપ્રાર્થના સમાજ” માટે નવા જ પ્રાર્થના-ગીત લખ્યાં. નરસિંહરાવે સંગીતના સથવારે ગવાતાં ગીત-કાવ્ય માટે “સંગીત કાવ્ય” એવી ઓળખ રચી. અને સંગીતને ભાવક મનમાં કવિતાનો ભાવ રોપવામાં ઉપયોગી ગણ્યું. તેઓ ખોટા પણ નહોતા જ. સંગીતના સથવારે વહેતી કવિતાનો વ્યાપ વધતો જોવા મળે છે. વધારે વિશાળ સમૂહ સુધી કવિતા પહોંચે છે. પણ આને કારણે કવિતાના વિચાર પક્ષને અન્યાય થવાનું બ.ક.ઠા. માનતા. તેઓ કવિતાને “પોચટ આંસુ સારતી” બનવા દેવાના વિરોધી હતા. લાગણીશીલતા અને લાગણીવેડા વચ્ચેનો ભેદ બ.ક.ઠા.ના મનમાં સ્પષ્ટ હતો. તેઓ “વિચાર પ્રધાન કવિતા” ના હિમાયતી હતા. કવિતામાં કોઇ ઉદ્દત વિચાર હોય જે વ્યક્તિને બુદ્ધિના માર્ગે બે કદમ આગળ લ‍ઇ જાય એ જરૂરી છે. વ્યક્તિના બૌદ્ધિક સ્તરના વિકાસમાં કવિતા સહાયક સિદ્ધિ થવી જોઇએ. કવિ બ.ક.ઠા. પોતાના આ વિચાર બાબતે ભારે આગ્રહી રહ્યા.

 

બ.ક.ઠા. આપણી ભાષામાં ઇટાલિયન સાહિત્ય પ્રકાર “સોનેટ” લ‍ઇ આવ્યા. ૧૪ પંક્તિના સોનેટ કાવ્યમાં છેલ્લી બે પંકિતમાં કવિ વિચારનો સ્ફોટ કરે. બ.ક.ઠા.એ પોતાના સિદ્ધાંતનો અમલ કરતા હોય તેમ અગેય પૃથ્વીછંદમાં કાવ્યો લખી સિદ્ધ કર્યું કે કવિતાને ભાવક મન સુધી પહોંચવા સંગીતની કાંખઘોડી (ક્રચીઝ) ની જરૂર નથી. પણ, આ વિચાર પ્રધાનતાનો આગ્રહ, કેટલાં નાજુક સંવેદનો ને ય ઝીલી શકે છે એ એમનાં આ મંદાક્રાન્તા છંદમાં લખાયેલા સોનેટમાં જણાશે. પતિગૃહેથી પિતૃગૃહે આવેલી નારી, હિંચકે બેઠા બેઠા જૂના પિયર ઘરને આકંઠ પી રહી છે.