અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર! …અમે
સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! …અમે
નીંદરને પારણીએ ઝુલે, ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! …અમે
પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! …અમે
જાગો, ઊઠો ભોર થઇ છે, શુરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! …અમે
~ કૃષ્ણલાલ શ્રીધરાણી
Paraphrase by Shri Tushar Shukla (In Gujarati)
શાળા કક્ષાએ એક ગીત પાઠ્યપુસ્તકમાં આવતું…. ‘અમે તો સૂરજના છડીદાર / અમે તો પ્રભાતના પોકાર / સૂરજ આવે સાત ઘોડલે / અરૂણરથ વાહનાર!’ – આ કાવ્યનો નાયક કોણ હતો યાદ છે? કૂકડો..! કવિએ કૂકડાનો મહિમા કરતાં એને સૂરજનો છડીદાર કહ્યો છે. છડી પોકારવી એટલે મહારાજાના આગમનની જાણ કરતા સાદ પોકારવો. આવી છડી પોકારવાનું કામ કરનાર છડીદાર કહેવાય. મોંગલ શહેનશાહ અકબરના દરબારમાં અકબરના આગમન પૂર્વે ફિલ્મ ‘મોગલે આઝમ’માં કેવો સાદ થતો એ યાદ કરો.. એ જ રીતે આદ્યશક્તિ માં અંબામાતાનાં મંદિરમાં ય છડી પોકારાય છે. સોને કી છડી, રૂપે કી મશાલ,…! ફિલ્મોમાં ન્યાયાલયોમાં ન્યાયાધીશના આગમન પૂર્વે પણ આવી સૂચના અપાય છે. કૂકડો સૂર્યના આગમનની જગતને જાણ કરે છે. કવિએ એનો વિશેષ મહિમા કરતા ગાયું : અરૂણરથ વાહનાર. સૂર્યના રથને જે લઇને આવે છે તે.
કવિ શ્રીધરાણી તે સમયે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ભણેલા. આ તેજસ્વી વ્યક્તિત્વ આપણી ભાષાને એમની સર્જકતાના બળે સમૃદ્ધ કરી છે.